માનવીની ભવાઈ

પુસ્તકનુંનામ   :-    માનવીની ભવાઈ (૧૯૪૭)                

લેખકનુંનામ     :-     પન્નાલાલ પટેલ         

સાહિત્ય પ્રકાર  :-    નવલકથા


                         માનવીની ભવાઈએ પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા છે.  એમાં, પહેલીવાર તળપદા ગ્રામજીવનની વાસ્તવિકતાનો સાહિત્યિક આલેખ મળે છે. આ નવલકથા મુખ્ય નાયક નાયિકા કાળું અને રાજુ છે. આ ઉપરાંત નાનીયો,માલીડોશી, પરમો પટેલ, કોદર, રણછોડ અને નાથો જેવા પાત્રો છે.  કાળું અને રાજુના જીવનનાં સુખ દુઃખની લીલા રજુ કરતી અને તેની પછવાડે  આખા સમાજની સંવેદનાને મૂર્તિમંત કરતી કથા માટે લેખકે ઈશાનિયા દેશના ધરતીજાયાની વાત કરી છે. ગુજરાતના ઇશાનિયા ખૂણાના ગ્રામપ્રદેશનાં ઉત્સવો અને રીતરિવાજો, કથાઓ અને ગીતો, બોલી અને લહેકાઓ વચ્ચે તેમ જ છપ્પનિયા કાળની વચ્ચે મુકાયેલું કથાવસ્તુ કાળુ-રાજુના પ્રેમ કરતાં ઝાઝું તો એમની પ્રેમયાતનાનું છે. આ નવલકથા સાડત્રીસ પ્રકરણોમાં વિભાજીત કરેલી છે.  પહેલાં ચૌદ પ્રકરણો કાળુનો જન્મ, બાળપણમાં એનો રાજુ સાથે થતો અને પિતરાઈ કાકી માલી ડોશીની વેર ભાવના પીઠી ચોળેલા કાળુંનું રાજુ સાથે લગ્ન થવા દેતી નથી તેને  કારણે તૂટતો વિવાહ, કાળુંનો લગ્ન ભલી સાથે અને રાજુના લગ્ન સદા બીમાર એવા ધાળજી સાથે થાય એવો પંચ દ્વારા ઘાટ ઘડાય છે. પછીના દસ પ્રકરણોમાં કાળું અને રાજુનાં હૈયા એકમેકની પ્રેમથી પરિચિત છે. રાજુએ કાળુની પ્રેરણામૂર્તિ છે. આથી ‘ મનના મોરલા મનમાં જ રમાડવા એમ માની મનખો પૂરો કરવો’ એમ વિચારીને કાળું માટે લગ્નજીવન પૂરંતુ આત્મવિલોપન સાથે છે. બે ભૂખ્યાં હૈયાંની વેદનાને, એમના એકબીજા તરફના આકર્ષણને, એમના ઇર્ષ્યા અને ભયના જગતને પ્રગટાવે છે. ભયંકર દુકાળની આફતનાં સમયે સમગ્ર ગ્રામજનોમાં ભય તેમજ ફફડાટ વ્યાપી ગયો છે. ચોરી અને લૂંટના બનાવો રોજ બને છે. કાળું એક ખેડૂત પુત્ર તરીકે તે “ પરથમી નો પોથી” બનીને લોકોના સુખ દુઃખમાં સાથે રહે છે. સદાવ્રતની દોઢ-પાશેર ખીચડી ન લેવાનો આગ્રહ રાખનાર કાળુને રાજુ અનાજ લેવા સમજાવે છે ત્યારે કાળુંનું હૈયું વલોવાઈ જાય છે. અને કહે  છે : આ ભીખ તેને ‘ ગુમાનને અને આત્માનેય ઓગાળી નાખે તેવી લાગે છે.’

                      પન્નાલાલની આ નવલકથામાં દુષ્કાળના સમયનું ગ્રામજીવનનું  જીવંત આલેખન કર્યું છે. તેમની બોલી, પહેરવેશ,રીવાજો,ખાનપાન, ઉત્સવો, વટ,ઈર્ષા, ભલાઈ અને વેરવૃત્તિ વગેરે લેખકે અસલ સ્વભાવમાં રજૂ કરેલ છે. આકર્ષક કથાવસ્તુ,હદય ડોલાવે એવા પ્રસંગો, સજીવ પ્રકૃતિચિત્રણ ,વેધક મર્મોકિતવાળા સંવાદો, માનવસંવેદનો અને સંઘર્ષ વગેરે લેખકને સાચા કલાકાર બનાવે છે. આ નવલકથા માત્ર પ્રણયકથા ન રહેતાં ગુજરાતના અને ભારતના ખેડૂજીવનની કથા બની રહે છે. માંડલીની ગ્રામસૃષ્ટિ સાથેના લેખકના સઘન પરિચયને પરિણામે ગ્રામજીવન એના આટલા વાસ્તવિક રૂપમાં ગુજરાતી કથાસાહિત્યમાં પહેલી વખત પ્રગટ થાય છે. લેખકની આ કૃતિને ઈ.સ. ૧૯૮૫માં જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયેલ છે. આ નવલકથા પરથી ગુજરાતી ફિલ્મનું પણ નિર્માણ થયું છે. કવિ ઉશનસનાં શબ્દોમાં કહીએ  તો  – ‘ ખેતી અને પ્રીતિનું મહાકાવ્ય’. છે. 

Share This:

રાજાધિરાજ

પુસ્તકનુંનામ   :-    રાજાધિરાજ                  

લેખકનુંનામ     :-     કનૈયાલાલ માણેકલાલ મુનશી           

સાહિત્ય પ્રકાર  :-    ઐતિહાસિક નવલકથા

 

              રાજાધિરાજએ ગુજરાતી નવલકથાકાર કનૈયાલાલ મુનશી નવલકથા છે. જયસિંહદેવનો જૂનાગઢનો વિજય કૃતિનું મુખ્ય વસ્તુ છે. ચાર ખંડમાં વિભક્ત આ નવલકથામાં જયસિંહ સિદ્ધરાજનો સોરઠવિજય અને લાટમાં જાગેલું બંડ એ બે મુખ્ય ઘટનાઓ સાથે સંબંધિત કથા ગૂંથાયેલી છે. રાખેંગારે કરેલા અપમાનનું વેર લેવા પંદર વર્ષથી જૂનાગઢને ઘેરો નાખીને પડેલા જયસિંહ સિદ્ધરાજ આખરે દેશળ-વીશળે બતાવેલા ગઢના છૂપા માર્ગેથી હુમલો કરી જૂનાગઢ પર વિજય મેળવે છે, પણ એ વિજય પછીયે રાણકદેવી સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા વણસંતોષાયેલી રહે છે. રાણકદેવી કાકની મદદથી સતી થાય છે. આ કથાની સાથે સાથે કાકની ગેરહાજરીમાં લાટમાં થયેલા બંડની કથા પણ ગૂંથાતી આવે છે. લાટના બંડને પાટણની સેના દબાવી દે છે, પરંતુ કેદમાં સપડાયેલી મંજરી તેને મદદ પહોંચે તે પહેલાં મૃત્યુ પામે છે. કાકના પાત્રનું અતિગૌરવ અને મહત્વની ઘટનાઓમાં એનું વર્ચસ્વ ગુજરાતનો નાથની જેમ અહીં પણ અનુભવાય છે. અપ્રતીતિકર પણ રોમાંચક અને સાહસિક ઘટનાઓથી થતી કથારસની જમાવટ આ કૃતિનો નોંધપાત્ર વિશેષ છે. વર્ણનાત્મકતા, પથરાટ અને કથનપ્રાધાન્યનું પ્રમાણ અહીં વધ્યું છે ને નાટ્યાત્મક પ્રસંગો ઘટયા છે. રાણકનો સતી થવાનો અને મંજરીના મૃત્યુનો- બંને પ્રસંગ રસાવહ બન્યા છે. પ્રબળ કાર્યવેગ ને રહસ્યમયતાનું અસરકારક નિરૂપણ કથાત્રયીને વાચનક્ષમ બનાવે છે. ગાંધીયુગના આરંભે આવતી આ કૃતિઓમાં જીવનમૂલ્યોનો અભાવ વરતાય છે. કૌતુકપ્રિયતા અને બૌદ્ધિકતાનું લેખકે કરેલું મિશ્રણ કારગત પુરવાર થયું છે. ત્રણે કૃતિઓ નાટ્યાત્મકતા ધરાવે છે.

Share This:

પાટણની પ્રભુતા

પુસ્તકનુંનામ   :-    પાટણની પ્રભુતા                    

લેખકનુંનામ     :-     કનૈયાલાલ માણેકલાલ મુનશી           

સાહિત્ય પ્રકાર  :-    ઐતિહાસિક નવલકથા

             પાટણની પ્રભુતા’ (૧૯૧૬) કનૈયાલાલ માણેકલાલ મુનશીની એ ઐતિહાસિક નવલકથા છે. જેમાં પાટણ શહેર કેન્દ્રસ્થાને છે. ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત કથાવસ્તુ છે. કર્ણદેવ સોલંકીના મૃત્યુસમયે પાટણમાં જૈન શ્રાવકો અને મંડલેશ્વરો વચ્ચે ચાલતી સત્તાની સાઠમારી તથા મુંજાલથી પોતે વિશેષ પ્રભાવશાળી ને મુત્સદ્દી છે એવું દેખાડવાની મીનળદેવીની ઇચ્છા એ બે ઘટનાકેન્દ્રોમાંથી નવલકથાનું સમગ્ર કથાનક આકાર લે છે. મુંજાલનો પ્રભાવ ઘટાડવા મીનળદેવી આનંદસૂરિના અભિપ્રાયો પ્રમાણે ચાલવા જતાં મુશ્કેલીમાં મુકાય છે. આખરે થાકીહારીને તે ફરી મુંજાલની શક્તિ ને બુદ્ધિનો આશ્રય સ્વીકારીને, ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવે છે. એટલે વાસ્તવમાં આ નવલકથા રાજ્કીય પૃષ્ઠભૂમાં આકાર લેતી, સ્ત્રીના વૈયક્તિક અહં અને પતનની કથા બની રહે છે.પાટણ પર આક્રમણ કરનાર અવંતીના સેનાપતિ ઉલક સાથે સંજોગવશાત્ કરવામાં આવતી સંધિ, પાટણની ડામાડોળ દશાનો લાભ લઈ ભીંસ દેવા મથતા જૂનાગઢના રાનવઘણની હાર એ આ નવલની મુખ્ય રાજ્કીય ઘટનાઓ છે; પણ વાસ્તવમાં કૃતિ કાકની પરાક્રમગાથા છે.પાટણના રાજ્યતંત્ર અને એ રાજ્યતંત્રની આસપાસ વીંટાયેલી વ્યક્તિઓના અંગત જીવન સાથે. એમાં જૂનાગઢના રાનવઘણના પાટણના રાજ્ય સાથેના ઘર્ષણની, પાટણ અને માળવા વચ્ચેની સંધિની તથા તેના રાજ્કીય દાવપેચની વાત છે; જયદેવના પ્રણયસંબંધની વાત છે; ઉદા મહેતાના મંજરીને પોતાની પત્ની બનાવવાના ઉધમાતની વાત છે; મુંજાલના પુનર્લગ્નની વાત છે; કીર્તિદેવના કુળના રહસ્યની વાત છે; મુંજાલ મહેતા અને કીર્તિદેવ વચ્ચે રહેલી રાજ્કીય વિચારસરણીના મતભેદની વાત છે; અને તેમ છતાં આખી કથામાં આ બધી વાતોનું સ્થાન ગૌણ છે. કથામાં ખરેખર ધ્યાન તો ખેંચે છે ભૃગુકચ્છ-લાટથી આવેલો ભટ્ટ કાક અને તેના પ્રણય-પરાક્રમની કથા. અન્ય ઘટનાઓ એખ યા બીજી રીતે કાકનો પ્રભાવ ઉપસાવવામાં નિમિત્ત બને છે.

                     નવલકથાનું માળખું કાકની ભ્રમણકથાનું છે. ભ્રમણને અંતે પોતાના પરાક્રમથી કાક પ્રાપ્ત કરે છે પાટણના રાજ્યતંત્રમાં પોતાનો પ્રભાવ અને મંજરીનો પ્રેમ. કાક ભૃગુકચ્છથી ત્રિભુવનપાળની સાથે પાટણ આવે છે ત્યાંથી કથાનો આરંભ થાય છે. પહેલા ભાગમાં કાક પોતાનાં બુદ્ધિ-ચાતુર્યથી રાનવઘણનો પરાજય કરે છે અને ઉદા મહેતાના હાથમાંથી, ખંભાતમાંથી, મંજરીને છોડાવે છે. મંજરીના સૌંદર્યથી કાક એના પર મુગ્ધ થાય છે, પરંતુ પોતાની વિદ્વત્તાના અભિમાનમાં મસ્ત મંજરી અભણ કાકને દયાભાવથી જુએ છે. બીજા ભાગમાં કાક પોતાની વિચક્ષણ બુદ્ધિથી મુંજાલને પ્રભાવિત કરે છે, જયદેવની પ્રિયતમા માટે સંદેશો લઈ જાય છે અને પાટણમાં ઉદાના માણસોના હાથમાંથી મંજરીને છોડાવે છે. ઉદાથી બચવા વિદુષી મંજરીએ કાક સાથે અનિચ્છાએ લગ્ન કરવાં પડે છે, પણ લગ્નની રાતે જ તે કાકને તિરસ્કારે છે. ત્રીજા ભાગમાં કાક ફરી વખત ઉદાના હાથમાં કેદ પકડાયેલી મંજરીને છોડાવે છે અને કીર્તિદેવના કુળને જાણી લાવે છે. કીર્તિદેવને મોઢે કાકની શક્તિની પ્રશંસા સાંભળી મંજરીનો કાક પ્રત્યેનો તિરસ્કાર ઓસરે છે. ચોથા ભાગમાં રાખેંગારને પકડવા નીકળેલો કાક રાખેંગારનો મિત્ર બને છે, ખેંગારની પ્રતિજ્ઞા પૂરી થાય ત્યાં સુધી એ ખેંગારની કેદમાં રહે છે, ખેંગારને રાણકદેવી સાથે જૂનાગઢ નાસી જવામાં મદદ કરે છે અને જેના વર્ગનું સંપૂર્ણ ખંડન થયું હતું તે મંજરીનો હૃદયસ્વામી બને છે. અપ્રસ્તુત વિદ્વતચર્ચા, ચિંતન તથા લાંબાં સ્થળકાળનાં વર્ણનો ને પાત્રોના જન્મ-ઉછેર-સ્વભાવની વિગતપૂર્ણ માહિતી આપવાની લઢણોનો ત્યાગ કરી, ઘટનાઓને નાટ્યાત્મક બનાવીને વાર્તારસ જમાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી આ નવલકથાએસરસ્વતીચંદ્રપછી ગુજરાતી નવલકથાની કાયાપલટ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. અલબત્ત, ઐતિહાસિકને બદલે કાલ્પનિક પાત્ર કાકનું ઔચિત્યથી વધારે ગૌરવ, કાકનાં રોમાંચક પરાક્રમો અને એને પરિણામે તેને પ્રાપ્ત થતો મંજરીનો પ્રેમ, કીર્તિદેવના ભૂતકાળ પાછળ છવાયેલી રહસ્યમયતા ઇત્યાદિ તત્વોને લીધે આ નવલકથા પણ પાટણની પ્રભુતાની માફક ઐતિહાસિક રોમાન્સની છાપ ચિત્ત પર પાડે છે.

Share This:

‘સરસ્વતીચંદ્ર’

પુસ્તકનુંનામ   :-    સરસ્વતીચંદ્રભા.૧ થી ૪ (૧૮૮૭)                     

લેખકનુંનામ     :-     ગો.મા.ત્રિપાઠી            

સાહિત્ય પ્રકાર  :-    મહાનવલકથા

ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા- સરસસ્વતીચંદ્ર

               આધુનિક ભારતની સૌથી મોટી અને લાંબી નવલકથા સરસ્વતીચંદ્ર ભાગ- ૧,,,૪ (૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧) : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની અમર ઐતિહાસિક મહાનવલકથા છે. ગુજરાતી સાહિત્યની પ્રથમ મહાનવલકથા છે. આશરે ૨૨૦૦ પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલવગેરે રૂપે ઓળખાવવામાં આવી છે. પ્રથમ ભાગમાં સુવર્ણપુરમાં બુદ્ધિધન અને શઠરાય વચ્ચે ચાલતી સત્તાની સ્પર્ધા, એ સ્પર્ધામાં બુદ્ધિધનનો શઠરાય પર-સદનો અસદ પર-વિજય આલેખી લેખકે તત્કાલીન દેશી રાજ્યોમાંનાં ખટપટ અને કુટિલતાનું વાસ્તવિક ચિત્ર ઉપસાવ્યું છે. કુમુદસુંદરીના શ્વસુર, સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધન સાથે સંકળાયેલી રાજખટપટનું અને બુદ્ધિધન તેમ જ શઠરાયના કૌટુંબિક જીવનનું ચિત્ર વિશેષ ધ્યાન ખેંચે છે. એની સાથે સરસ્વતીચંદ્ર અને તેનાં કુટુંબજીવનની કથા નિમિત્તે મુંબઈના ધનાઢ્ય મનુષ્યોનો જીવનવ્યવહાર આલેખાયો છે. બુદ્ધિધન-શઠરાય એ સદ્-અસદ્ બળો વચ્ચે ચાલતા સત્તાના સ્થૂળ સંઘર્ષના તથા બુદ્ધિધન અને શઠરાયનાં કુટુંબોના વિરોધી ચિત્રોના આલેખનથી કથારસ મળે છે.  જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધનમાં નિરૂપાયેલો કુમુદસુંદરીના ચિત્તમાં ચાલતો સંઘર્ષ એનો ઉત્તમ નમૂનો છે. વિપુલ પાત્રો આ નવલકથાની બીજી વિશેષતા છે. બીજા ભાગમાં કુમુદની માતા ગુણસુંદરીના સંયુક્ત કુટુંબની કથા છે. સહિષ્ણુ અને ત્યાગશીલા ગુણસુંદરીની કુટુંબકથા નિમિત્તે સંયુક્ત કુટુંબનાં વિવિધ પાસાં ઊંડળમાં લીધાં છે. ગુણસુંદરીના ત્યાગશીલ વ્યક્તિત્વથી અને વિદ્યાચતુરનાં કુટુંબીજનોના સ્વાર્થપટુ માનસમાંથી જન્મતી પરિસ્થિતિથી કથા રસિક બની છે. ત્રીજા ભાગમાં રત્નનગરીના મલ્લરાજ-મણિરાજની કથા નિમિત્તે આદર્શ દેશીરાજ્યનું ચિત્ર ઉપસાવ્યું છે. કુમુદના પિતા વિદ્યાચતુર જે રત્નનગરીના અમાત્ય છે તે નગરીના રાજ્યતંત્રની કથા છે. ત્રીજા ભાગમાં સંઘર્ષ વિશેષતઃ વૈચારિક ભૂમિકાએ રહે છે. મહાભારતનાં પાત્રોને રૂપકાત્મક અર્થમાં નિરૂપીને દેશી રાજ્યની ચર્ચા થઈ છે તો ચોથા ભાગમાં સંઘર્ષનું તત્વ અલ્પ અને વિચારનું તત્વ વધુ હોઈ નવલકથા નિબંધાત્મક બનતી જાય છે. સરસ્વતીચંદ્ર-કુમુદનું જયાં પુનર્મિલન થયું એ સુંદરગિરિ પર્વત પરના સાધુઓના જીવનની કથા અને એ દ્વારા મનુષ્યના જીવનકર્તવ્યની વિશદ મીમાંસા તેમ જ સરસ્વતીચંદ્ર-કુમુદનાં સહસ્વપ્નોની કથા દ્વારા ભવિષ્યના ભારતનું દર્શન છે. ચોથા ભાગમાં વિષ્ણુદાસ સાધુ અને ચંદ્રાવલી મૈયાના મઠનાં સાધુ-સાધ્વીઓની કથા દ્વારા મનુષ્યના આધ્યાત્મિક જીવનના પ્રશ્નો ચર્ચ્યા છે.  

                સરસ્વતીચંદ્ર ચારેય  ભાગમાં કથા સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીના પ્રણયની છે. મુંબઈના ધનવાન વેપારી લક્ષ્મીનંદનનો યુનિવર્સિટીની કેળવણી પામેલો, વિદ્યાવ્યાસંગી, વૈરાગ્યવૃત્તિવાળો અને ગુણવાન પુત્ર સરસ્વતીચંદ્ર અપરમા ગુમાનની કાનભંભેરણીથી પિતાએ કહેલાં કટુ વચનો અને કરેલા આક્ષેપોથી આવેશમાં આવી પિતાની સંપત્તિનો તથા પોતાની વાગ્દત્તા અને રત્નનગરીના અમાત્યની પુત્રી કુમુદસુંદરીનો ત્યાગ કરી ઘર છોડી ચાલ્યો જાય છે એ આ પ્રણયકથાનો ધરીરૂપ પ્રસંગ છે. સરસ્વતીચંદ્રના ગૃહત્યાગથી કુમુદસુંદરીનાં લગ્ન સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનના અલ્પશિક્ષિત અને દુરાચારી પુત્ર પ્રમાદધન સાથે થાય છે. વિદ્યાચતુરના ઘરમાં મળેલાં કેળવણી ને સંસ્કારને લીધે વિધારસિક કુમુદસુંદરી મનોમન પ્રમાદધન અને સરસ્વતીચંદ્રની સરખામણી કરતી શ્વસુરગૃહે વ્યથિત રહે છે. પતિવ્રતા ધર્મ પ્રમાણે સરસ્વતીચંદ્રને ભૂલવા યત્ન કરે છે, પણ ભૂલી નથી શકતી. ગૃહત્યાગ કરીને નીકળેલા પણ કુમુદનું મન જાણવા તેને મળવાની અપેક્ષાએ રત્નનગરી જવા નીકળેલો સરસ્વતીચંદ્ર સમુદ્રના તોફાનને લીધે વહાણ સુવર્ણપુરના આરે આવી પહોંચતાં, અમાત્ય બુદ્ધિધન સાથેના પરિચયમાં પોતાનાં જ્ઞાન અને શીલથી બુદ્ધિધનને આકર્ષે છે અને નવીનચંદ્ર નામ ધારણ કરી અમાત્યના ઘરમાં એક વિશ્વાસપાત્ર સ્વજન બની રહે છે. બુદ્ધિધન તેને રાજ્યમાં સારી નોકરી આપવાની વાત કરે છે, પરંતુ કંઈક બુદ્ધિધનના ઘરમાં કુમુદની દુઃખી હાલત જોઈ વ્યથિત બનેલો, કંઈક અનુભવાર્થી બનવાની ઈચ્છાથી, તો કંઈક કુમુદની લાગણી સમજીને દૂર થવા સારુ તે સુવર્ણપુર છોડી જાય છે. જંગલમાં બહારવટિયાઓને હાથે એનું ઘાયલ થવું અને સુંદરગિરિ પર્વત પરના વિષ્ણુદાસ તથા તેમના સાધુઓની અનુકંપાએ મઠમાં જવું; તો બીજી તરફ પિયર જવા નીકળેલી કુમુદસુંદરીનું એ જ જંગલમાં બહારવટિયાઓના ડરથી કે સ્વેચ્છાએ કે પગ લપસવાથી સુભદ્રા નદીમાં પડી તણાવું અને સંગમતટે ચંદ્રાવલી મૈયાની સહાયથી ઊગરી એના આશ્રમમાં મધુરીમૈયા નામે રહેવું અને પછી હૃદયસાંત્વન અર્થે સુંદરગિરિ પર્વત પર જતાં, ત્યાં સરસ્વતીચંદ્રનો પુનર્મેળાપ થવો; તો ત્રીજી તરફ પ્રમાદધનનું અપમૃત્યુ થવું-એ આ પ્રણયકથાની બીજી મહત્વની ઘટનાઓ છે. સુંદરગિરિના સાધુઓ દ્વારા વિધવા કુમુદ અને સરસ્વતીચંદ્રનાં લગ્ન માટેના પ્રયત્નરૂપે વિષ્ણુદાસના આદેશથી બંનેને સૌમનસ્ય ગુફામાં પંચરાત્રિનો એકાંતવાસ આપવામાં આવે છે; પરંતુ લૌકિક દ્રષ્ટિએ બધી બાજુથી વિચારતાં સરસ્વતીચંદ્ર કુમુદની નાની બહેન કુસુમ સાથે લગ્ન કરે છે અને કલ્યાણગ્રામની પોતાની યોજના સાકાર કરવા તે સંસારમાં પાછો ફરે છે. આ નવલકથા પ્રણયકથા નિમિત્તે સંસ્કૃતિકથા છે; તેથી ચારે ભાગમાં લેખકે પ્રણયકથાની સાથે અન્ય કથાઓ પણ ગૂંથી છે અને તદર્થે એમનાં જુદાં જુદાં લક્ષ્ય રહ્યાં છે. ગોવર્ધનભાઈ ત્રિપાઠી સંસ્કૃત અને અંગ્રેજીના ઊંડા અભ્યાસી હતા પરિણામે નવલકથામાં સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના કોટેશન જોવા મળે છે.  એકથી વધુ કથાઓ આ કૃતિમાં ભળેલી હોવાને કારણે કથાસાતત્ય એમાં તૂટે છે એ સાચું, પરંતુ કથાસંકલનાની, પોતાના કોઈ પણ પુરોગામી અને ઘણા અનુગામીઓએ ન બતાવેલી સૂઝ લેખકે અહીં બતાવી છે ચારે ભાગમાં સસ્વતીચંદ્ર-કુમુદના પ્રણયસંદર્ભમાં લાગણીના સૂક્ષ્મ સંઘર્ષનું જ્યાં આલેખન થયું છે. જીવનના વિવિધ સ્તરમાંથી આવતાં, ભૂત-વર્તમાન-ભવિષ્યનાં પ્રતિનિધિ, વાસ્તવદર્શી ને ભાવનાદર્શી આ પાત્રો દ્વારા ૧૯મી સદીના ગુજરાતના સમાજજીવનનું એક ભાતીગળ ને સંકુલ ચિત્ર અહીં ઊભું થાય છે. પોતાના અનુભવમાં આવેલી વ્યક્તિઓ પરથી ઘણાં મુખ્ય-ગૌણ પાત્રોનું સર્જન લેખકે કર્યું છે છતાં વિભિન્ન પરિસ્થિતિમાં દરેક પાત્રને પોતાના સ્થાન પ્રમાણે મૂલ્ય પ્રાપ્ત થાય છે. આ ઐતિહાસિક નવલકથા ઉપરથી સરસ્વતીચંદ્ર ગુજરાતી ફિલ્મ બની છે. આ નવલકથાને અત્યારે ૧૨૫ વર્ષો કરતાં પણ વધૂ વર્ષો થવા છતાં આજેય  એની તુલનામાં આવી શકે તેવી નવલકથા હજુ સુધી ગુજરાતી ભાષામાં લખાઈ નથી.

Share This:

કરણઘેલો

પુસ્તકનું નામ    :- કરણઘેલો

લેખકનુંનામ    :- નંદશંકર તુલજાશંકર મહેતા

સાહિત્ય પ્રકાર  :- નવલકથા

 

ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ નવલકથા- કરણઘેલો

              કરણઘેલો એ ઈ.સ. ૧૮૬૬માં લખાયેલ ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા છે. નંદશંકરે આ નવલકથા ૩૦ વર્ષની નાની વયે લખાયેલ છે. કરણઘેલો કઈ રીતે રચાઈ તેનો જવાબ નંદશંકરે પુસ્તકની પ્રસ્તાવનામાં જ આપે છે. આ સમયમાં ઘણાખરા લોકોને ગુજરાતી કવિતામાં લખેલી વાર્તાઓ વાંચવાનો ઘણો શોખ છે. પણ હજી સુધી એવી વાર્તાઓ ગ્રંથમાં લખાયેલી ગુજરાતી ભાષામાં ઘણી જ ઓછી છે. અને જે છે તે લોકમાં પ્રસિદ્ધ નથી, આ ખોટ પૂરી પાડવાને તૈયાર કરાવવાને આ પ્રાંતના માજી  એજ્યુકેશનલ  ઇન્સ્પેક્ટર મહેરબાન રસલ સાહેબ મારી આગળ પોતાની મરજી જણાવી તથા એક વાર્તા બનાવવાનું સાહેબે કહ્યું. તે પરથી આ પુસ્તક આશરે ત્રણ વર્ષ ઉપર રચ્યું પણ કેટલાક કારણોસર તે ઝડપથી છાપવાનું બન્યું નહી. આ પરથી સ્પષ્ટ થાય કે અંગ્રેજીની પ્રેરણાથી નંદશંકરે આ નવલકથા લખી હતી. આ નવલકથાની પ્રથમ આવૃત્તિ મુંબઈ સરકારે પોતાના ખર્ચો પ્રગટ કરી હતી. માટે નિયમ પ્રમાણે નંદશંકરે તેના કોપીરાઈટ સરકારને આપી દેવા પડ્યા હતા. તેના બદલામાં સરકારે તેમને બાંધી રકમ આપવાનું નક્કી થયું હતું.

   વાર્તાનું કેન્દ્રસ્થાન પુરાતન પાટણ શહેર છે. ફાર્બસ સંપાદિત રાસમાળા’ માંથી ગુજરાતના અંતિમ રાજપૂત  રાજા કરણઘેલાને પાત્ર બનાવી નંદશંકરે તેની આસપાસ કલ્પનાસૃષ્ટિ રચી છે. ઘણીખરી ઘટનાઓ  અને પાત્રો ઐતિહાસિક છે. પાટણનો ઇતિહાસ જાણનારાઓને આ વાર્તા જાણીતી લાગશે. તે સમયના દિલ્લીના મુસલમાન પાદશાહોની રાજનીતિ, રાજપૂત સ્ત્રી પુરૂષોનું શૂરાતન , મુસલમાનોનો જુસ્સો,ધર્મચરણ, કુલાભિમાન, હિન્દુઓ પર દર્ભદ્વેષ વગેરે બાબતોનું સાચું ચિત્રણ રજુ કરવાનો આ કથાનો મૂળ ઉદેશ છે.પાટણ, દિલ્લી અને બાગલાણ આ ત્રણ કથાના કેન્દ્રસ્થાન છે. કેશવની પત્ની ગુણસુંદરીને સત્ ચડતાં તે રાજાના અને પાટણના વિનાશનો શાપ આપે છે. સતીનો આ શાપ નવલકથાનું કથાબીજ બને છે. કરણઘેલો નામના રાજવીના જીવન કથન રજુ કરાય છે.એક ભાટના કવિત રચિત ઉપરથી હણાય છે કે ગુજરાત એટલે ગુજ્જર દેશમાં સંવત ૮૦૨  એટલે ઈ.સ. ૭૪૬ના વર્ષમાં એક શહેર સ્થાપવામાં આવ્યું હતું. મહા વદ સાતમને શનિવાર પાછલા પ્હોરમાં ત્રણ કલાકે વનરાજનો હૂકમ જાહેર થયો.જયોતિષવિધામાં ઘણા પ્રવીણ એવા જૈનમાર્ગના જોષીઓંને બોલાવી પ્રશ્ન કરવામાં આવ્યો કે, તે વખતે તેઓને  શહેરના જન્માક્ષર તપાસીને ૧૨૯૭માં તે નગરનો નાશ થશે…

                         લેખક નવલકથાના મુખ્ય પાત્ર કરણઘેલાનું સરસ પાત્રાલેખન કરતાં લખ્યું છે કે કરણરાજાની ભરજુવાની હતી તેની ઉંમર ત્રીસ વર્ષની હતી. તેનું શરીર પરમેશ્વરની કૃપાથી નાનપણથી અંગકસરત ખડતલ, પાતળું અને જોરાવર હતું. તેની ચામડીનો રંગ ઘઉંવર્ણો, શરીરે લાંબો હતો. તેનું મોં લંબગોળ હતું. તેનું નાક સીધું તથા લાંબુ હતું. તેના હોઠ નાના તથા બીડાયેલ હતા. જેથી હણાતું હતું કે  તે ઘણો આગ્રહી એટલે જ કામ મનમાં ધારે તે કર્યા વિના રહેતો નહિ એ એનો સ્વભાવ હતો. આ નવલકથામાં ૧૮૩૭માં સુરતમાં લાગેલી આગ અને ત્યારપછી ઘર કરી ગયેલા વહેમો પણ નિરૂપાયા છે. વસ્તુની પસંદગી, તેની માવજત  અને નાયકનું પાત્રાલેખન  ત્રણેય બાબતમાં લેખકની સારી સફળતા મેળવી છે.

                                  આ પુસ્તકમાં શરૂઆતથી જ ખબર પડી જાય છે કે લેખનમાં ઘણી ખામીઓ છે. વાક્યો ઘણા જ લાંબા અને ગુજરાતી પણ આજના કરતાં અલગ છે.

Share This:

મારી હકીકત

પુસ્તકનું નામ     :-મારી હકીકત(૧૮૬૬)

લેખકનુંનામ    :-  કવિ નર્મદ 

 સાહિત્ય પ્રકાર  :-  આત્મકથા

 ગુજરાતી ભાષાની સર્વપ્રથમ આત્મકથા- ‘ મારી હકીકત ‘

                     કવિ નર્મદની આત્મકથા ‘ મારી હકીકત ‘ ગુજરાતી ભાષાની સર્વપ્રથમ આત્મકથા છે. નર્મદે આ આત્મકથા ઈ.સ. ૧૮૬૬માં લખી હતી. નર્મદે ૧૮૩૩ થી ૧૮૬૬ સુધીનું પોતાના ૩૩ વર્ષના જીવનની કથા વ્યથા કહેતી જીવની લખી નાખી હતી. આત્મકથા શબ્દ પહેલા પ્રચલિત ન હતો માટે એ ગ્રંથને ‘ સ્વજીવન’ પ્રકારનો ગ્રંથ  ગણવામાં આવતો હતો. પરતું નર્મદ  પોતાની આ કૃતિને આત્મકથા  કરતાં ‘ ખરડો’ કહેવાનું પસંદ કરે છે. ‘મારી હકીકત’ મૂળ તો બે કોલમમાં વહેચાયેલ છે. આત્મકથામાં દસ વિરામ  એટલે કે દસ પ્રકરણો છે. વિરામ ૧માં લેખક પોતાના જન્મ, ગોત્ર અને જ્ઞાતિ વિશે લખ્યું છે. તેમનો જન્મ સંવત ૧૮૮૯ના પહેલા ભાદરવા સુદ દસમને શનિવારે એટલે કે સને ૧૮૩૩ના ઓગસ્ટ મહિનાની ૨૪મી તારીખે સવારે સુરતમાં થયો હતો. ત્યારપછી તેમણે ગોત્ર અને જ્ઞાતિ વિશે વિસ્તૃત માહિતી આપી છે. બીજા વિરામમાં વડીલો અને માબાપ, ત્રીજા વિરામમાં તેમનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ, ચોથા વિરામમાં અંગ્રજી સ્કુલ અને કોલેજ, પાંચમા વિરામમાં રાંદેરમાં શિક્ષક, છટ્ઠા વિરામમાં કવિપદની તૈયારી, સાતમાં વિરામમાં કલમને ખોળે, આઠમાં વિરામમાં જ્દુનાથજી સાથે પ્રસંગ, નવમા વિરામમાં કીર્તિનો મધ્યાહ્ન અને દસમાં વિરામમાં સરસ્વતીમંદિરમાં ખુબ જ વિસ્તૃત અને રસપ્રદ માહિતી આપી છે. દસ વિરામ પછી ડાયરી, નર્મપત્રધારામાંથી, પોતાની કવિતા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આત્મકથાને અંતે ધર્મ ધ્યાન વિષે આત્મકથનમાં ધર્મતંત્ર,ધ્યાન વિશે વાત કરી છે. વિરામ ૧માંપોતાના જન્મ વિશે લખ્યું છે કે પ્રસવવેળાએ મારી માને ઘણું દુ:ખ થયું હતું. હું જન્મ્યો ત્યારે મારું માથું ઘણું જ લાંબુ હતું. તેથી ચહેરો વિચિત્ર દેખાતો હતો. છ મહિનામાં હું ઘૂટણીયો તાણતો હતો. તો વિરામ ચારમાં પોતાના વાંચનરસ વિશે લખતા કહે છે કે કોલેજમાં દાખલ થયા પછી મરજી મુજબ લેસન કરવાનું  હોવાથી ( કેમ કે કોલેજમાં  કંઈ રોજ લેસન આપવાં પડતાં નહિ. ફક્ત પ્રોફેસરો લેક્ચર આપતા તે સાંભળ્યા કરવાનું હતું ) હું મારો તે સમય અંગ્રેજી ચોપડીઓ વાંચવામાં ગાળતો હતો. છટ્ઠા વિરામમાં કવિતા કેવી રીતે લખવાની શરૂઆત કરી તેની છણાવટ કરી છે.

                              આત્મકથા પ્રગટ થયા પછી વિવાદ થશે અને સગાંવ્હાલાઓને નહિ ગમે એ નર્મદને ખબર હતી. માટે તેમણે પોતાના મૃત્યું પછી જ પ્રગટ થાય તેની તકેદારી રાખી હતી. શું લખવાનું છે અને લખ્યા પછી શું થશે એ અંગે નર્મદે બહુ સ્પષ્ટ હતા.માટે તેમણે લખ્યું છે, ‘ આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહિ જ વિચારું તે તો હું નહિ જ લખું.પણ જે જે હું લખીશ તે તો મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારૂ સારું સારું હો કે નરસું હો લોકને પસંદ પડો કે ન પડો’. ‘ હું ભાંગ પીતો, પાક ખાતો અને બૈરાઓમાં મહાલતો’  લેખકની તટસ્થા અને નિર્ભીકતા આ શબ્દોમાં જોઈ શકાય. આત્મકથા શા માટે લખી છે  તેનો ખુલાશો નર્મદે પ્રથમ વિરામમાં જ કરી દીધો છે. અહી નર્મદના નિર્ભીક સત્ય કથનના દર્શન થાય છે. મારી હકીકત નર્મદની નિખાલસ  જીવનકથા છે. તો બીજી તરફ તેના સમયની પ્રજાનાં આચારવિચાર અને વ્યવહારને રજૂ કરતી પૂરેપૂરી દસ્તાવેજી કથા છે.  

Share This:

અગનપંખ ( Wings of Fire)

પુસ્તકનુંનામ     :-અગનપંખ ( Wings of Fire    

લેખકનુંનામ  :-  એ.પી.જે.અબ્દુલકલામ

અનુવાદક    :-  હરેશ ધોળકિયા

સાહિત્ય પ્રકાર  :-  આત્મકથા

                         ભારતના મિસાઈલના પિતામહ અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્પતિ ડૉ. અવુલ પાકીર  જૈનુલબ્દ્દીન  અબ્દુલ કલામ  ( એ.પી.જે.અબ્દુલકલામ ) વૈજ્ઞાનિક ઉપરાંત લેખક પણ હતા. તેમને ઇન્ડિયા :એ. વિઝન ફોર ધ ન્યુ  મિલેનિયમ  અને ઇગ્નાઈટેડ માઈન્ડ નામના અંગેજીમાં લખેલાં પુસ્તકો છે.  તેમણે અરુણ તિવારી સહકારથી પોતાની આત્મકથા વિન્ગ્ઝ ઓફ ફાયર લખી છે.તેનો ગુજરાતી અનુવાદ અગનપંખ હરેશ ધોળકિયાએ કર્યો છે. આ માત્ર તેમની આત્મકથા જ નથી;આધુનિક ભારતીય અવકાશ વિજ્ઞાનનો ઇતિહાસ છે. પુસ્તકની શરૂઆત તત્કાલીન મદ્રાસ રાજ્યના રામેશ્વરમ ગામના એક મધ્યમવર્ગીય તમિલ કુટુંબથી  થાય છે. ડૉ. કલામ તેમના પિતાની જન્મજાત સાહજિકતા, બુદ્ધિપ્રતિભા અને ઉદારતાનું વર્ણન કરતાં લખે છે કે તે દરરોજ કેટલા લોકોને ભોજન કરાવતાં તે હું ચોક્કસ કહી શકું તેમ નથી….’ રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી  શ્રી લક્ષ્મણ શાસ્ત્રીની તેમના  પિતાજી  સાથેના ગાઢ મિત્રતાનો ખાસ ઉલ્લેખ કરતાં ડૉ.કલામ જણાવે છે કે મારા પિતા અને શાસ્ત્રીજી ધાર્મિક અને આધ્યાત્મિક ચર્ચાઓમાં  મશગુલ રહેતા. ડૉ.કલામના જીવનમાં તેમના પિતાની ઉંડી અસર વર્તાય છે. તેમણે સમગ્ર જીવન દરમિયાન તેમના વિજ્ઞાન અને ટેકનોલોજીના જગતમાં તેમના પિતાને અનુસરવાનો પ્રયાસ કર્યો હતો. લગભગ છ વર્ષની વયે તેમને અહમદ જલાલુદીનનો પરિચય થાય છે.ઓછું  શિક્ષણ હોવા છતાં  જલાલુદીન હંમેશા તેમને અભ્યાસમાં પ્રોત્સાહિત કરતા હતા.

રામેશ્વરમ અને ધનુષકોડી વચ્ચે આવતાં રામેશ્વરમ રોડ પર ચાલતી ટ્રેનમાંથી છાપાના બંડલ ફેંકીને મેળવેલી પ્રથમ આવક માટેગૌરવની લાગણી તેમણે અનુભવી હતી. પોતાને વારસામાં પિતા પાસેથી પ્રમાણિકતા અને આત્મશિસ્ત મળ્યા હોવાનો ગર્વ કરતાં ડૉ.કલામ કહે છે કે તેને પરિણામે જ તેમની જિંદગીમાં મોટું પરિવર્તન આવી શક્યું  હતું. શાળા જીવન દરમિયાન વિજ્ઞાન શિક્ષક શિવસુબ્રમણ્ય ઐયર તેમની સાથે કલાકો ગાળતા અને કહેતા : કલામ , હું તને એટલો વિકસિત જોવા માંગું છું. જેથી તું મોટા શહેરોમાં ખૂબ શિક્ષિત લોકોની સમકક્ષ ઊભો રહી શકે …’ શ્રી ઐયર  જેવા વૈદિક બ્રાહ્મણના ઘેર ભોજન કરવાના પ્રસંગે શિવસુબ્રમણ્ય ઐયરના સામાજિક  બંધનો તોડવાના પ્રયાસનો ખાસ ઉલ્લેખ તેમણે  કર્યો છે.

રામનાથપુરમની સ્વાર્ટજ  હાઇસ્કુલના શિક્ષક ઈમાદુરાઈ  સોલોમન  તેમના શ્રેષ્ઠ  માર્ગદર્શક બની રહ્યા. ડૉ.કલામલખે છે ‘ બાળપણથી જ મને આકાશનાં રહસ્યો અને પક્ષીનાં ઉડ્ડયનો પ્રત્યે ખૂબ આકર્ષણ હતું……. 

                  સ્વાર્ટજ હાઇસ્કુલથી ત્રીચિની સેન્ટ જોસેફ કોલેજ સુધીના વિદ્યાર્થીકાળમાં ડૉ.કલામ અંગ્રેજી સાહિત્યથી માંડીને તત્વજ્ઞાનના વાંચન તરફ વળે છે. આ સમય દરમિયાન જ તેમણે ભૌતિકશાસ્ત્રમાં ખૂબ જ રસ પડવા લાગ્યો. વિજ્ઞાન વિશે ડૉ. કલામ કહે છે, ‘’ વિજ્ઞાન હંમેશા આધ્યાત્મિક સમૃદ્ધિ અને આત્મસાક્ષાત્કારનો માર્ગ રહ્યું છે…….’’

 દ.ભારતની મદ્રાસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવતી વખતે પડેલી પૈસાની તંગી અને આ સ્થિતિમાં બહેન જોહરાની બંગડીઓં અને હાર ગીરવે મૂકીને ભરેલ ફી જેવી પરીસ્થિતિ પછી સખત અભ્યાસ કરીને શિષ્યવૃત્તિ મેળવવા પૂરા જોશથી ડૉ. કલામ મંડી પડ્યા. એરોનોટીકલ ઈજનેરી પસંદ કર્યા બાદ ડૉ. કલામનું વિમાનો ઉડાડવાનું ધ્યેય સ્પષ્ટ હતું. પ્રો. સ્પેન્ડ , પ્રો. એ.કે.વી. અને પ્રો. નરસિંહરાવના માર્ગદર્શન હેઠળ તેમની વ્યાવસાયિક કારકિર્દીનું ઘડતર  થયું. ડૉ. કલામની વ્યાવસાયિક ગુણવત્તા ઘડવામાં ટએમનો સિંહફાળો હતો. આત્મકથામાં ડૉ.કલામનો સ્વભાવ અને વ્યક્તિત્વનો ખાસ ઉલ્લેખ કરે છે. પુસ્તકની રસપ્રદ બાબત એ છે કે તેમની શાળા કોલેજના શિક્ષકો અને સાથી વિજ્ઞાનીઓના સુંદર વ્યકિતચિત્રો દ્વારા ડૉ.કલામ કોઈ વ્યકિતગત ઘટનાથી વાચકને પર  કરીને તેમને એરફોર્સ પાયલોટ બનવાના નિષ્ફળ પ્રયાસો તેમજ કલેકટર બનવાની ઈચ્છા  છતાં પોતે રોકેટ ઇજનેર કેમ બન્યા તેની છણાવટ  પુસ્તકમાં ઉપસી આવી છે. ડૉ. કલામના મત પ્રમાણે તેમના માતા પિતા  તથા શિક્ષકો  અને માર્ગદર્શકો પ્રત્યે ઋણ અદા કરવાનો આ પુસ્તકમાં તેમનો પ્રયાસ છે.

ડૉ. કલામની સફળતા કે નિષ્ફળતાની જ અંગત કથા માત્ર નથી, પણ પ્રોધોગીકી  ક્ષેત્રે સંઘર્ષ કરતાં આધુનિક ભારતની કહાની છે. ઈશ્વરના અનહદ આશીર્વાદની કામના સાથે ડૉ. કલામ ઈશ્વરની ભવ્યતાને વર્ણવે છે. અને વિન્રમતાપૂર્વક કહે છે કે કદી નાના કે અસહાય ન અનુભવવું , આપણે બધાં આપણામાં દિવ્ય અગ્નિ સાથે જન્મ્યા છીએ. આ આત્મકથામાં પ્રો. સારાભાઈ , સતીશ ધવન , ડૉ.બ્રમપ્રકાશ , જર્મન રોકેટ વિજ્ઞાની વોનબરોન  જેવા મહાન વૈજ્ઞાનિકો સાથેના સંસ્મરણો  સાથે આ લેખની આ કથા માત્ર આત્મકથા બની ન રહેતા જીવનોપયોગી પુસ્તક હોવાનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. શ્રી હરેશ ધોળકિયાએ આ પુસ્તકનો ખુબ જ સુંદર અનુવાદ કર્યો છે.

Share This: