‘સરસ્વતીચંદ્ર’

પુસ્તકનુંનામ   :-    સરસ્વતીચંદ્રભા.૧ થી ૪ (૧૮૮૭)                     

લેખકનુંનામ     :-     ગો.મા.ત્રિપાઠી            

સાહિત્ય પ્રકાર  :-    મહાનવલકથા

ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા- સરસસ્વતીચંદ્ર

               આધુનિક ભારતની સૌથી મોટી અને લાંબી નવલકથા સરસ્વતીચંદ્ર ભાગ- ૧,,,૪ (૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧) : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની અમર ઐતિહાસિક મહાનવલકથા છે. ગુજરાતી સાહિત્યની પ્રથમ મહાનવલકથા છે. આશરે ૨૨૦૦ પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલવગેરે રૂપે ઓળખાવવામાં આવી છે. પ્રથમ ભાગમાં સુવર્ણપુરમાં બુદ્ધિધન અને શઠરાય વચ્ચે ચાલતી સત્તાની સ્પર્ધા, એ સ્પર્ધામાં બુદ્ધિધનનો શઠરાય પર-સદનો અસદ પર-વિજય આલેખી લેખકે તત્કાલીન દેશી રાજ્યોમાંનાં ખટપટ અને કુટિલતાનું વાસ્તવિક ચિત્ર ઉપસાવ્યું છે. કુમુદસુંદરીના શ્વસુર, સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધન સાથે સંકળાયેલી રાજખટપટનું અને બુદ્ધિધન તેમ જ શઠરાયના કૌટુંબિક જીવનનું ચિત્ર વિશેષ ધ્યાન ખેંચે છે. એની સાથે સરસ્વતીચંદ્ર અને તેનાં કુટુંબજીવનની કથા નિમિત્તે મુંબઈના ધનાઢ્ય મનુષ્યોનો જીવનવ્યવહાર આલેખાયો છે. બુદ્ધિધન-શઠરાય એ સદ્-અસદ્ બળો વચ્ચે ચાલતા સત્તાના સ્થૂળ સંઘર્ષના તથા બુદ્ધિધન અને શઠરાયનાં કુટુંબોના વિરોધી ચિત્રોના આલેખનથી કથારસ મળે છે.  જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધનમાં નિરૂપાયેલો કુમુદસુંદરીના ચિત્તમાં ચાલતો સંઘર્ષ એનો ઉત્તમ નમૂનો છે. વિપુલ પાત્રો આ નવલકથાની બીજી વિશેષતા છે. બીજા ભાગમાં કુમુદની માતા ગુણસુંદરીના સંયુક્ત કુટુંબની કથા છે. સહિષ્ણુ અને ત્યાગશીલા ગુણસુંદરીની કુટુંબકથા નિમિત્તે સંયુક્ત કુટુંબનાં વિવિધ પાસાં ઊંડળમાં લીધાં છે. ગુણસુંદરીના ત્યાગશીલ વ્યક્તિત્વથી અને વિદ્યાચતુરનાં કુટુંબીજનોના સ્વાર્થપટુ માનસમાંથી જન્મતી પરિસ્થિતિથી કથા રસિક બની છે. ત્રીજા ભાગમાં રત્નનગરીના મલ્લરાજ-મણિરાજની કથા નિમિત્તે આદર્શ દેશીરાજ્યનું ચિત્ર ઉપસાવ્યું છે. કુમુદના પિતા વિદ્યાચતુર જે રત્નનગરીના અમાત્ય છે તે નગરીના રાજ્યતંત્રની કથા છે. ત્રીજા ભાગમાં સંઘર્ષ વિશેષતઃ વૈચારિક ભૂમિકાએ રહે છે. મહાભારતનાં પાત્રોને રૂપકાત્મક અર્થમાં નિરૂપીને દેશી રાજ્યની ચર્ચા થઈ છે તો ચોથા ભાગમાં સંઘર્ષનું તત્વ અલ્પ અને વિચારનું તત્વ વધુ હોઈ નવલકથા નિબંધાત્મક બનતી જાય છે. સરસ્વતીચંદ્ર-કુમુદનું જયાં પુનર્મિલન થયું એ સુંદરગિરિ પર્વત પરના સાધુઓના જીવનની કથા અને એ દ્વારા મનુષ્યના જીવનકર્તવ્યની વિશદ મીમાંસા તેમ જ સરસ્વતીચંદ્ર-કુમુદનાં સહસ્વપ્નોની કથા દ્વારા ભવિષ્યના ભારતનું દર્શન છે. ચોથા ભાગમાં વિષ્ણુદાસ સાધુ અને ચંદ્રાવલી મૈયાના મઠનાં સાધુ-સાધ્વીઓની કથા દ્વારા મનુષ્યના આધ્યાત્મિક જીવનના પ્રશ્નો ચર્ચ્યા છે.  

                સરસ્વતીચંદ્ર ચારેય  ભાગમાં કથા સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીના પ્રણયની છે. મુંબઈના ધનવાન વેપારી લક્ષ્મીનંદનનો યુનિવર્સિટીની કેળવણી પામેલો, વિદ્યાવ્યાસંગી, વૈરાગ્યવૃત્તિવાળો અને ગુણવાન પુત્ર સરસ્વતીચંદ્ર અપરમા ગુમાનની કાનભંભેરણીથી પિતાએ કહેલાં કટુ વચનો અને કરેલા આક્ષેપોથી આવેશમાં આવી પિતાની સંપત્તિનો તથા પોતાની વાગ્દત્તા અને રત્નનગરીના અમાત્યની પુત્રી કુમુદસુંદરીનો ત્યાગ કરી ઘર છોડી ચાલ્યો જાય છે એ આ પ્રણયકથાનો ધરીરૂપ પ્રસંગ છે. સરસ્વતીચંદ્રના ગૃહત્યાગથી કુમુદસુંદરીનાં લગ્ન સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનના અલ્પશિક્ષિત અને દુરાચારી પુત્ર પ્રમાદધન સાથે થાય છે. વિદ્યાચતુરના ઘરમાં મળેલાં કેળવણી ને સંસ્કારને લીધે વિધારસિક કુમુદસુંદરી મનોમન પ્રમાદધન અને સરસ્વતીચંદ્રની સરખામણી કરતી શ્વસુરગૃહે વ્યથિત રહે છે. પતિવ્રતા ધર્મ પ્રમાણે સરસ્વતીચંદ્રને ભૂલવા યત્ન કરે છે, પણ ભૂલી નથી શકતી. ગૃહત્યાગ કરીને નીકળેલા પણ કુમુદનું મન જાણવા તેને મળવાની અપેક્ષાએ રત્નનગરી જવા નીકળેલો સરસ્વતીચંદ્ર સમુદ્રના તોફાનને લીધે વહાણ સુવર્ણપુરના આરે આવી પહોંચતાં, અમાત્ય બુદ્ધિધન સાથેના પરિચયમાં પોતાનાં જ્ઞાન અને શીલથી બુદ્ધિધનને આકર્ષે છે અને નવીનચંદ્ર નામ ધારણ કરી અમાત્યના ઘરમાં એક વિશ્વાસપાત્ર સ્વજન બની રહે છે. બુદ્ધિધન તેને રાજ્યમાં સારી નોકરી આપવાની વાત કરે છે, પરંતુ કંઈક બુદ્ધિધનના ઘરમાં કુમુદની દુઃખી હાલત જોઈ વ્યથિત બનેલો, કંઈક અનુભવાર્થી બનવાની ઈચ્છાથી, તો કંઈક કુમુદની લાગણી સમજીને દૂર થવા સારુ તે સુવર્ણપુર છોડી જાય છે. જંગલમાં બહારવટિયાઓને હાથે એનું ઘાયલ થવું અને સુંદરગિરિ પર્વત પરના વિષ્ણુદાસ તથા તેમના સાધુઓની અનુકંપાએ મઠમાં જવું; તો બીજી તરફ પિયર જવા નીકળેલી કુમુદસુંદરીનું એ જ જંગલમાં બહારવટિયાઓના ડરથી કે સ્વેચ્છાએ કે પગ લપસવાથી સુભદ્રા નદીમાં પડી તણાવું અને સંગમતટે ચંદ્રાવલી મૈયાની સહાયથી ઊગરી એના આશ્રમમાં મધુરીમૈયા નામે રહેવું અને પછી હૃદયસાંત્વન અર્થે સુંદરગિરિ પર્વત પર જતાં, ત્યાં સરસ્વતીચંદ્રનો પુનર્મેળાપ થવો; તો ત્રીજી તરફ પ્રમાદધનનું અપમૃત્યુ થવું-એ આ પ્રણયકથાની બીજી મહત્વની ઘટનાઓ છે. સુંદરગિરિના સાધુઓ દ્વારા વિધવા કુમુદ અને સરસ્વતીચંદ્રનાં લગ્ન માટેના પ્રયત્નરૂપે વિષ્ણુદાસના આદેશથી બંનેને સૌમનસ્ય ગુફામાં પંચરાત્રિનો એકાંતવાસ આપવામાં આવે છે; પરંતુ લૌકિક દ્રષ્ટિએ બધી બાજુથી વિચારતાં સરસ્વતીચંદ્ર કુમુદની નાની બહેન કુસુમ સાથે લગ્ન કરે છે અને કલ્યાણગ્રામની પોતાની યોજના સાકાર કરવા તે સંસારમાં પાછો ફરે છે. આ નવલકથા પ્રણયકથા નિમિત્તે સંસ્કૃતિકથા છે; તેથી ચારે ભાગમાં લેખકે પ્રણયકથાની સાથે અન્ય કથાઓ પણ ગૂંથી છે અને તદર્થે એમનાં જુદાં જુદાં લક્ષ્ય રહ્યાં છે. ગોવર્ધનભાઈ ત્રિપાઠી સંસ્કૃત અને અંગ્રેજીના ઊંડા અભ્યાસી હતા પરિણામે નવલકથામાં સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના કોટેશન જોવા મળે છે.  એકથી વધુ કથાઓ આ કૃતિમાં ભળેલી હોવાને કારણે કથાસાતત્ય એમાં તૂટે છે એ સાચું, પરંતુ કથાસંકલનાની, પોતાના કોઈ પણ પુરોગામી અને ઘણા અનુગામીઓએ ન બતાવેલી સૂઝ લેખકે અહીં બતાવી છે ચારે ભાગમાં સસ્વતીચંદ્ર-કુમુદના પ્રણયસંદર્ભમાં લાગણીના સૂક્ષ્મ સંઘર્ષનું જ્યાં આલેખન થયું છે. જીવનના વિવિધ સ્તરમાંથી આવતાં, ભૂત-વર્તમાન-ભવિષ્યનાં પ્રતિનિધિ, વાસ્તવદર્શી ને ભાવનાદર્શી આ પાત્રો દ્વારા ૧૯મી સદીના ગુજરાતના સમાજજીવનનું એક ભાતીગળ ને સંકુલ ચિત્ર અહીં ઊભું થાય છે. પોતાના અનુભવમાં આવેલી વ્યક્તિઓ પરથી ઘણાં મુખ્ય-ગૌણ પાત્રોનું સર્જન લેખકે કર્યું છે છતાં વિભિન્ન પરિસ્થિતિમાં દરેક પાત્રને પોતાના સ્થાન પ્રમાણે મૂલ્ય પ્રાપ્ત થાય છે. આ ઐતિહાસિક નવલકથા ઉપરથી સરસ્વતીચંદ્ર ગુજરાતી ફિલ્મ બની છે. આ નવલકથાને અત્યારે ૧૨૫ વર્ષો કરતાં પણ વધૂ વર્ષો થવા છતાં આજેય  એની તુલનામાં આવી શકે તેવી નવલકથા હજુ સુધી ગુજરાતી ભાષામાં લખાઈ નથી.

Share This:

Leave a Reply